WAGHODIA
તલાટીએ જ ત્રણ ગ્રામપંચાયતોનું 21.85 લાખનું “કરી નાખ્યું”

- ગ્રામ પંચાયતોના બેંક ખાતા માંથી પોતાના નામે જ ચેક લખી રોકડ રકમ ઉપાડી તલાટી છુમંતર
- જીલ્લા વિકાસ અધિકારીના ધ્યાને ઉચાપત આવતા તાલુકા વિકાસ અધિકારીને ફરિયાદ નોંધવાની સૂચના આપી
- ત્રણેય ગ્રામ પંચાયતના રોજમેળ,બેંક પાસબુક અને વાઉચર બુક પણ ગાયબ કરી દીધા
વડોદરા જીલ્લાના વાઘોડિયા તાલુકાના કરમાલીયાપૂરા ગામ સહીત અન્ય બે ગામોમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અભિષેક ભરતભાઈ મહેતા એ ગ્રામ પંચાયતના બેંક એકાઉન્ટ માંથી ચેક મારફતે કુલ 21,85,000 રૂપિયા ની ઉચાપત કરી હોવાનું સામે આવતા નાયબ જીલ્લા વિકાસ અધિકારી ના આદેશ અનુસાર તાલુકા વિકાસ અધિકારી એ તલાટી વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકે નાણાકીય ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. જયારે પોલીસે તલાટી ને ભાગેડુ જાહેર કરી તપાસ આરંભી છે.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ 304, બાલાજી રેસિડેન્સી, બાપોદ જકાતનાકા ખાતે રહેતા અભિષેક ભરતકુમાર મહેતા વાઘોડિયા તાલુકાના કરમાલીયાપૂરા, જાંબુવાડા અને અંટોલી ગ્રામ પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવે છે. આ ત્રણેય ગ્રામ પંચાયતના રોજમેળ,વાઉચર અને ચેકબુક તેઓ પાસે રહેતા હતા. જયારે ગત 13 એપ્રિલ 2021 ના રોજ અંટોલી ગ્રામ પંચાયતના ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક વાઘોડિયા શાખાના બેંક એકાઉન્ટ માંથી તેઓએ ચેક નં. 106 અને 108 અભિષેક મહેતા એટલે પોતાના નામે લખી રૂ. 3,40,000 અને 4,10,000 જેટલી મોટી રકમ ઉપાડી લીધી હતી.
આજ રીતે 16 અપ્રિલ 2021 ના રોજ કરમાલીયાપુરા ગ્રામપંચાયતના ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક વાઘોડિયા શાખાના બેંક એકાઉન્ટ માંથી તેઓએ ચેક નં. 129 અને 130 અભિષેક મહેતા એટલે પોતાના નામે લખી રૂ. 4,25,000 અને 3,00,000 જેટલી મોટી રકમ ઉપાડી લીધી હતી. જયારે જાંબુવાડા ગ્રામ પંચાયતના ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપરેટીવ બેંક વાઘોડિયા શાખાના બેંક એકાઉન્ટ માંથી ચેક નં. 83 અને 82 દ્વારા અભિષેક મહેતા એટલે પોતાના નામે લખી રૂ. 3,00,000 અને 4,10,000 જેટલી મોટી રકમ ઉપાડી લીધી હતી.
આમ ત્રણેય ગ્રામપંચાયત ના બેંક ખાતામાં ખુદ સરકારી કર્મચારી તલાટી કામ મંત્રી અભિષેક મહેતાએ 21,85,000 રૂપિયા ની ઉચાપત કરી હોવાનું સામે આવ્યું હતુ. તલાટી અભિષેક મહેતાએ પોતાની ઉચાપત છુપાવવા માટે બેંક પાસબુક,ગ્રામપંચાયતના રોજમેળ અને વાઉચરો પણ ગાયબ કરી દીધા હોવાનું સામે આવ્યું છે. આ અંગે જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારી ના આદેશ અનુસાર તલાટી વિરુદ્ધ વાઘોડિયા પોલીસ મથકે ફરિયાદ દાખાલ કરવામાં આવી છે. સરકારી દસ્તાવેજ મળી આવ્યા બાદ હજી કેટલી ઉચાપત કરવામાં આવી છે તે પ્રકાશમાં આવશે.
WAGHODIA
આતાપી વન્ડરલેન્ડમાં રાઇડ ઓપરેટર 50 ફૂટ ઉંચાઈથી નીચે પટકાતા મોતને ભેટ્યો

- 26 વર્ષીય જીતેન્દ્ર સિંઘનું ઘટના સ્થળે જ મોત
- ટેકનિકલ ખામી કે નિષ્કાળજી?, લોક ખુલી જતા નીચે પટકાયો
- મૃતકના પરિવારજનો ને સંચાલકો આર્થિક સહાય કરશે
વડોદરાના વાઘોડિયા તાલુકાના આજવા ખાતે આવેલા આતાપી વન્ડરલેન્ડમાં આજે એક કર્મચારી રાઈડ પર થી આશરે 60 ફૂટ નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.જે અંગે વાઘોડિયા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આતાપી વન્ડરલેન્ડમાં આવેલી ઝીપલાઈન રાઇડના ઓપરેટર તરીકે કામ કરતા 25 વર્ષીય જીતેન્દ્ર સિંઘ 50થી 60 ફૂટ ઉપરથી નીચે પટકાતા તેઓનું મોત થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે ઝીપલાઇન ક્રોસ કરીને લેન્ડિંગ સાઈટ પર જતા સમયે લોક ખુલી જતા તેઓ નીચે પટકાયા હતા. ઘટના ને લઈને મૃતકના પરિવારજનો ને અતાપી દ્વારા 8 થી 10 લાખનો સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે આ હોનારત આતાપી વન્ડરલેન્ડના કર્મચારી સાથે જ બનવા પામી છે. કર્મચારી પોતે ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. છતાંય હોનારત નો શિકાર બન્યો,જ્યારે વેકેશન સમયે અનેક સહેલાણીઓ અહી મુલાકાતે આવે છે જો આવી બેદરકારી સહેલાણીઓ સાથે બની હોત તો કેટલો મોટો અકસ્માત સર્જાયો હોત?
ઘટના અંગે વાઘોડિયા પોલીસે અકસ્માત મોત નો ગુન્હો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.