WAGHODIA
વડોદરા હાલોલ રોડ પર સ્ટેટ વિજિલન્સે શરાબ ભરેલી ટ્રક ઝડપી પાડી

વડોદરા-હાલોલ રોડ પર સ્ટેટ વિજિલન્સે દારૂનો જથ્થો ભરેલી એક ટ્રકને ઝડપી પાડી બે શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે રાજસ્થાન તરફથી દારૂનો જથ્થો ભરીને એક ટ્રક હાલોલથી વડોદરા શહેર તરફ જવાની છે તેવી બાતમીના આધારે સ્ટેટ વિજિલન્સના સ્ટાફે જરોદ પાસે વોચ ગોઠવી હતી. બાતમી મુજબની ટ્રક આવતા તેને રોકી તપાસ કરતા આખી ટ્રકમાં દારૂની બોટલો ભરેલી પેટીઓ જણાઇ હતી. આશરે 700 જેટલી પેટીઓ જણાતા જરોદથી ટ્રકને વાઘોડિયા પોલીસ સ્ટેશન લઇ જવામાં આવી હતી.
જીજે-2 પાસિંગની ટ્રકમાં દારૂના જથ્થાની ગણતરી મોડી રાત્રિ સુધી ચાલુ હતી. સ્ટેટ વિજિલન્સે રાજસ્થાનના ઠાકરા રામજી બિશ્નોઇ અને સુરેશ રતનલાલ બિશ્નોઇને ઝડપી પાડયા હતાં. પ્રાથમિક દ્રષ્ટિએ આશરે રૂ.20 લાખ કિંમતનો દારૂનો જથ્થો અને રૂ.10 લાખ કિંમતની ટ્રક મળી રૂ.30 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. વિજિલન્સ દ્વારા દારૂનો જથ્થો ઝડપાતા જિલ્લા પોલીસમાં ફફડાટ ફેલાયો હતો. દારૂનો જથ્થો કોણે મોકલ્યો તેમજ કોણે મંગાવ્યો તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.
WAGHODIA
આતાપી વન્ડરલેન્ડમાં રાઇડ ઓપરેટર 50 ફૂટ ઉંચાઈથી નીચે પટકાતા મોતને ભેટ્યો

- 26 વર્ષીય જીતેન્દ્ર સિંઘનું ઘટના સ્થળે જ મોત
- ટેકનિકલ ખામી કે નિષ્કાળજી?, લોક ખુલી જતા નીચે પટકાયો
- મૃતકના પરિવારજનો ને સંચાલકો આર્થિક સહાય કરશે
વડોદરાના વાઘોડિયા તાલુકાના આજવા ખાતે આવેલા આતાપી વન્ડરલેન્ડમાં આજે એક કર્મચારી રાઈડ પર થી આશરે 60 ફૂટ નીચે પટકાતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.જે અંગે વાઘોડિયા પોલીસે અકસ્માત મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આતાપી વન્ડરલેન્ડમાં આવેલી ઝીપલાઈન રાઇડના ઓપરેટર તરીકે કામ કરતા 25 વર્ષીય જીતેન્દ્ર સિંઘ 50થી 60 ફૂટ ઉપરથી નીચે પટકાતા તેઓનું મોત થયું હતું. આ ઘટના ત્યારે બની જ્યારે ઝીપલાઇન ક્રોસ કરીને લેન્ડિંગ સાઈટ પર જતા સમયે લોક ખુલી જતા તેઓ નીચે પટકાયા હતા. ઘટના ને લઈને મૃતકના પરિવારજનો ને અતાપી દ્વારા 8 થી 10 લાખનો સહાય કરવાની જાહેરાત કરવામાં આવી છે.
મહત્વની વાત એ છે કે આ હોનારત આતાપી વન્ડરલેન્ડના કર્મચારી સાથે જ બનવા પામી છે. કર્મચારી પોતે ઓપરેટર તરીકે ફરજ બજાવતો હતો. છતાંય હોનારત નો શિકાર બન્યો,જ્યારે વેકેશન સમયે અનેક સહેલાણીઓ અહી મુલાકાતે આવે છે જો આવી બેદરકારી સહેલાણીઓ સાથે બની હોત તો કેટલો મોટો અકસ્માત સર્જાયો હોત?
ઘટના અંગે વાઘોડિયા પોલીસે અકસ્માત મોત નો ગુન્હો નોંધીને આગળની તજવીજ હાથ ધરી છે.