SAVLI-DESAR
નગરપાલિકાના પ્રમુખે પાલિકાના બેંક એકાઉન્ટ માંથી પોતાના નામે જ ચેક લખી લાખો ઉપાડ્યા, વસુલાતનો આદેશ કરાયો

- સાવલી નગરના જાગૃત નાગરિકની ફરિયાદ બાદ ભાજપના શાસનકાળમાં થયેલી ગેરરીતીનો ભેદ ખુલ્યો
- જે વર્ષના હિસાબો ઓડીટર સમક્ષ રજુ કરવામાં વિલંબ કરવામાં આવતો હતો તે વર્ષ માંજ ઉચાપત સામે આવી
- 15 દિવસમાં તત્કાલીન પ્રમુખ પાસેથી વસુલાત કરવા પ્રાદેશિક કમિશ્નરનો આદેશ
વડોદરાની સાવલી નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ દ્વારા નગરપાલિકાના બેંક એકાઉન્ટ માંથી પોતાના નામે પૈસા ઉપાડી નાણાકીય ઉચાપત કરતા આ મામલે સાવલીના રહેવાસી અને જીલ્લા કોંગ્રેસ મહામંત્રી અમીશ પટેલે નગર પાલિકાના પ્રાદેશિક કમિશ્નરની કચેરીએ 18 સપ્ટેમ્બર 2020ના રોજ લેખિતમાં ફરિયાદ કરી હતી. જે બાદ તપાસ કરતા તત્કાલીન પ્રમુખે પોતાના વ્યક્તિગત નામે ચેક લખીને રૂપિયા ઉપાડ્યા હોવાનું સામે આવતા નગર પાલિકાના પ્રાદેશિક કમિશ્નરની કચેરીએ વસુલાતનો હુકમ કર્યો છે. 15 દિવસમાં ચેક દ્વારા ઉપાડવામાં આવેલી તમામ રકમની વસુલાત કરવાનો આદેશ કર્યો છે.
વર્ષ 2021 ના નવેમ્બર માસમાં સરકારના સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી દ્વારા સાવલી નગર પાલિકાના ચીફ ઓફિસરને એક નોટીસ ફટકારી હતી. જેમાં વર્ષ 2019- 20ના વર્ષના નગરપાલિકાના હિસાબો વારંવાર માંગવામાં આવ્યા છતાંય હોસાબો રજુ નહિ કરતા દંડની રકમ ભરવા માટે પણ આદેશ કર્યો હતો. જયારે હવે વર્ષ 2019-20 દરમિયાન તત્કાલીન નગરપાલિકા પ્રમુખ કેતન શેઠ દ્વારા નાગરાલિકાના બેંક એકાઉન્ટ માંથી પોતાના વ્યક્તિગત નામે ચેક લખીને રૂપિયા ઉપાડ્યા હોવાનું સામે આવતા ચકચાર મચી છે.
ફરિયાદ કરનાર સાવલીના નાગરિક અમીષ પટેલના જણાવ્યા અનુસાર સાવલી નાગરાલિકાના બેંક ઓફ બરોડાના બેંક એકાઉન્ટમાં 27/02/2020 નાં રોજ 001475 નંબર નો ચેક તત્કાલીન પ્રમુખ કેતન શેઠ દ્વારા પોતાના નામથી લખીને 1 લાખ રૂપિયા ઉપાડવામાં આવ્યા છે. જે બાદ પણ પોતાના નામે ચેકો લખીને ભ્રષ્ટાચાર કરવાનો પ્રયત્ન કરેલો છે. નગરપાલિકા એકટ મુજબ કોઈ પણ નગરપાલિકા સદસ્ય પોતાના નામે કે પોતાના નામે ચાલતી પેઢી દ્વારા નગરપાલિકામાં વ્યવસાય કરી શકતો નથી. જો તેઓ વ્યવસાય લક્ષી જોડાયેલા હોય તો કયા આધારે એકાઉન્ટ પે અને બેરર ચેક હેઠળ લાખો રૂપિયા ઉપાડ્યા છે ? આ અંગે પ્રાદેશિક કમિશ્નર નગરપાલિકાઓ, વડોદરામાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદ બાદ તત્કાલીન પ્રમુખનો ભ્રષ્ટાચાર સંતાડવા માટે ચીફ ઓફિસર દ્વારા વારંવાર હિસાબો મંગાવ્યા હોવા છતાય નવેમ્બર 2021 સુધી હિસાબો જમા કરાવ્યા ન હતા. જયારે અંતે હિસાબો રજુ કરતા ગેરરીતી નો ભાંડો ફૂટ્યો છે.

ગત 5 જાન્યુઆરીએ નગરપાલિકાઓની પ્રાદેશિક કમિશ્નરની કચેરી દ્વારા કરવામાં આવેલા હુકમ પ્રમાણે ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963મી કલમ 70(1) હેઠળ અરજદાર દ્વારા કરવામાં આવેલી રજૂઆત યોગ્ય સાબિત થતા કલમ 70(2) હેઠળ તત્કાલીન પ્રમુખના નામજોગ લખવામાં આવેલા તમામ ચેકની રકમની વસુલાત 15 દિવસમાં કરવા હુકમ કરવામાં આવ્યો છે. જો નિયત સમયમાં નાણા જમા નહિ કરવામાં આવે તો જમીન મહેસુલની બાકી તરીકે વસુલ કરવા પગલા લેવા ચીફ ઓફિસર ને આદેશ કરવામાં આવ્યો છે. સાથે સાથે આ ગેરરીતિમાં શામેલ તત્કાલીન સમયના ચીફ ઓફિસર અને હિસાબનીશ સામે શિસ્ત વિષયક કાર્યવાહી કરવા સરકારને ભલામણ કરવામાં આવી છે.
આ અંગે નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ કેતન શેઠને પૂછતાં તેઓને કોઈ કાગળ મળ્યો નથી તેમ જણાવ્યું હતું.
SAVLI-DESAR
સાવલી પોલીસ વિરુદ્ધ આક્રોશનો ઉકાળતો ચરૂ: નગરમાં દીવાલો પર લખાયા પોલીસ વિરુદ્ધના સૂત્રોચ્ચાર

- સાવલીમાં દારૂની લેરમછેલ,પોલીસની મહેર
- બુટલેગરોની દાદાગીરી,પોલીસની ભાગીદારીના સૂત્રો લખાયા
વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં પોલીસના આશીર્વાદથી બેફામ થયેલા બુટલેગરોને કારણે સામાન્ય નાગરિકો પરેશાન થઈ ઉઠયા છે તાજેતરમાં બુટલેગરોએ એક પત્રકાર પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે નગરમાં શરાબની હાટડીઓ પણ ખુલ્લેઆમ ધમધમી રહી છે. ત્યારે રાત્રીના સમયે નગરની દીવાલો પર પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખાતા પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે.
વડોદરાના સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખીને નાગરિકોએ રોષ વ્યકત કરતા ચકચાર મચી છે. સાવલી નગરમાં તાલુકા પંચાયત કચેરી,જન્મોત્રી હોસ્પિટલ,સાવલી પશુ દવાખાના સહિતની ઇમારતો તેમજ બસ ડેપો પાસે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા છે. જ્યાં શરાબનો વેપલો કરતા બુટલેગરો અને પોલીસ વચ્ચે ભાગીદારી હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા છે. સાવલીમાં શરાબની રેલમછેલ ચાલી રહી હોવાનું પણ આ સુત્રોમાં ચીતરવામાં આવ્યું છે.
સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ ઉકડતો ચરું સામે આવ્યો છે. પોલીસ સામે નાગરિકોનો રોષ હોવા છતાંય સ્થાનિક પોલીસ અધિકારીઓ ને કેમ છાવરવામાં આવે છે તે પ્રશ્ન ઉભો થયો છે.