SAVLI-DESAR
સુશાસન સપ્તાહને અર્પણ : કરોડો ખર્ચ્યા છતાંય સાવલી નગરની હાલત બત્તર

- નગરમાં ડ્રેનેજ સુવિધા હોવા છતાંય દૂષિત પાણી રસ્તા પર વહે છે.
- અનેક શાસકો બદલાયા પણ સાવલી નગરની સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં
- ઉભરાતી ડ્રેનેજલાઈન તત્કાલીન સત્તાધીશોના ભ્રષ્ટાચારની સાક્ષી પુરાવે છે
વડોદરા જીલ્લાના સાવલી નગરમાં ઉભરાતી ડ્રેનેજ લાઇનને કારણે અનેક વિસ્તારોમાં દુર્ગંધ અને પારાવાર ગંદકી ફેલાઈ છે. હાલ પાલિકાની સત્તા ભારતીય જનતા પાર્ટીના શાસકો પાસે છે. જેથી સુશાસન સપ્તાહની ઉજવણીમાં નગરપાલિકાની આ સિદ્ધિને એક વાર યાદ તો કરવી જ પડે..
વર્ષોથી સાવલી નગરમાં વસતા નાગરિકોને પારાવાર ગંદકીનો સામનો કરવો પડે છે. સમગ્ર નગરમાં ભૂગર્ભ ગટર યોજના અંતર્ગત ડ્રેનેજ લાઇન નાખવામાં આવી છે છતાંય તેની ગુણવત્તા પર પ્રશ્નો ઉભા થયા છે. જે પ્રમાણે કામગીરી થવી જોઈએ તેવી કામગીરી નહીં થવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
વર્ષો વીતી ગયા,શાસકો બદલાતા ગયા પણ સમસ્યા ઠેર ની ઠેર છે. નગરમાં એક પણ એવો માર્ગ નહીં હોય જે એક સપ્તાહ સુધી સૂકો રહ્યો હોય, અહીં ઉભરાતી ડ્રેનેજ અને રસ્તા પર વહેતા દૂષિત પાણીને કારણે નગરની હાલત કફોડી બની છે. સ્પષ્ટ બહુમતી હોવા છતાંય ભાજપના શાસકો નગરના વિકાસમાં ઉણા ઉતર્યા છે. જ્યારે આવી સ્થિતિ હજી કેટલો સમય સુધી રહેશે તે કહેવું પણ મુશ્કેલ છે.

SAVLI-DESAR
સાવલી પોલીસ વિરુદ્ધ આક્રોશનો ઉકાળતો ચરૂ: નગરમાં દીવાલો પર લખાયા પોલીસ વિરુદ્ધના સૂત્રોચ્ચાર

- સાવલીમાં દારૂની લેરમછેલ,પોલીસની મહેર
- બુટલેગરોની દાદાગીરી,પોલીસની ભાગીદારીના સૂત્રો લખાયા
વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં પોલીસના આશીર્વાદથી બેફામ થયેલા બુટલેગરોને કારણે સામાન્ય નાગરિકો પરેશાન થઈ ઉઠયા છે તાજેતરમાં બુટલેગરોએ એક પત્રકાર પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે નગરમાં શરાબની હાટડીઓ પણ ખુલ્લેઆમ ધમધમી રહી છે. ત્યારે રાત્રીના સમયે નગરની દીવાલો પર પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખાતા પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે.
વડોદરાના સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખીને નાગરિકોએ રોષ વ્યકત કરતા ચકચાર મચી છે. સાવલી નગરમાં તાલુકા પંચાયત કચેરી,જન્મોત્રી હોસ્પિટલ,સાવલી પશુ દવાખાના સહિતની ઇમારતો તેમજ બસ ડેપો પાસે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા છે. જ્યાં શરાબનો વેપલો કરતા બુટલેગરો અને પોલીસ વચ્ચે ભાગીદારી હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા છે. સાવલીમાં શરાબની રેલમછેલ ચાલી રહી હોવાનું પણ આ સુત્રોમાં ચીતરવામાં આવ્યું છે.
સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ ઉકડતો ચરું સામે આવ્યો છે. પોલીસ સામે નાગરિકોનો રોષ હોવા છતાંય સ્થાનિક પોલીસ અધિકારીઓ ને કેમ છાવરવામાં આવે છે તે પ્રશ્ન ઉભો થયો છે.