SAVLI-DESAR
સાવલી પોલીસ વિરુદ્ધ આક્રોશનો ઉકાળતો ચરૂ: નગરમાં દીવાલો પર લખાયા પોલીસ વિરુદ્ધના સૂત્રોચ્ચાર

- સાવલીમાં દારૂની લેરમછેલ,પોલીસની મહેર
- બુટલેગરોની દાદાગીરી,પોલીસની ભાગીદારીના સૂત્રો લખાયા
વડોદરા જીલ્લાના સાવલી તાલુકામાં પોલીસના આશીર્વાદથી બેફામ થયેલા બુટલેગરોને કારણે સામાન્ય નાગરિકો પરેશાન થઈ ઉઠયા છે તાજેતરમાં બુટલેગરોએ એક પત્રકાર પર જીવલેણ હુમલો કર્યો હતો. જ્યારે નગરમાં શરાબની હાટડીઓ પણ ખુલ્લેઆમ ધમધમી રહી છે. ત્યારે રાત્રીના સમયે નગરની દીવાલો પર પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખાતા પોલીસની કામગીરી પર પ્રશ્નો ઉભા થયા છે.
વડોદરાના સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખીને નાગરિકોએ રોષ વ્યકત કરતા ચકચાર મચી છે. સાવલી નગરમાં તાલુકા પંચાયત કચેરી,જન્મોત્રી હોસ્પિટલ,સાવલી પશુ દવાખાના સહિતની ઇમારતો તેમજ બસ ડેપો પાસે પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર લખવામાં આવ્યા છે. જ્યાં શરાબનો વેપલો કરતા બુટલેગરો અને પોલીસ વચ્ચે ભાગીદારી હોવાના ગંભીર આક્ષેપો પણ કરાયા છે. સાવલીમાં શરાબની રેલમછેલ ચાલી રહી હોવાનું પણ આ સુત્રોમાં ચીતરવામાં આવ્યું છે.
સાવલી નગરમાં પોલીસ વિરુદ્ધ ઉકડતો ચરું સામે આવ્યો છે. પોલીસ સામે નાગરિકોનો રોષ હોવા છતાંય સ્થાનિક પોલીસ અધિકારીઓ ને કેમ છાવરવામાં આવે છે તે પ્રશ્ન ઉભો થયો છે.
SAVLI-DESAR
સાવલી: જુના સમલાયાના ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો

- પ્રાથમિક સુવિધાના અભાવે ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કારનો નિર્ણય કર્યો
- ઔદ્યોગિક એકમોથી ઘેરાયેલા જુના સમલાયા ગામમાં રોડ,પાણી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ
- વારંવારની રજૂઆતો છતાંય કોઈ વિકાસ નહીં,ગામ સાથે ઓરમાયું વર્તન કેમ?
વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના ઔદ્યોગિક એકમો વચ્ચે ઘેરાયેલું જુના સમલાયા ગામ આજે પણ વિકાસ ઝંખી રહ્યું છે. જુના સમલાયા ગામના કેટલાક રહીશોએ ભેગા મળીને ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. જેમાં પાકા રસ્તા અને પાણીની સમસ્યાઓનો નિકાલ નહીં આવતા બહિષ્કારનું પગલું ઉઠાવવું પડ્યું હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે.
વડોદરા જીલ્લાના સાવલી તાલુકાના જુના સમલાયા ગામના રહીશોએ ગત રોજ એકઠા થઈને આવનારી વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરી છે. જુના સમલાયા જૂથ ગ્રામ પંચાયતના કેટલાક પેટા પરા વિસ્તારમાં આજે પણ ગામમાં પ્રવેશવા માટે પાકા રસ્તાઓ નથી. અહીં વાત ફક્ત ધારાસભ્યની નિષ્કાળજીની નથી. જીલ્લા પંચાયતમાં અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોએ પણ આ વિસ્તારના વિકાસની ચિંતા કરી નથી. અહીં ગામમાં વરસાદના સમયે અવરજવરનો રસ્તો પણ મળતો નથી. જેના કારણે ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.
પક્ષાપક્ષી થી દુર અહીં ગ્રામજનોએ પ્રાથમિક સુવિધાની માંગણી કરી છે. જીલ્લા પંચાયત કે તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો પણ અહીં ગામની સામસ્યા સાંભળવા આવતા નથી. 21મી સદીની વિકાસની વાતોમાં હજી જુના સમલાયા ગામ પાછળ રહી ગયું હોય તેમ ગ્રામજનોને લાગી રહ્યું છે ત્યારે આજે ગ્રામજનોએ ચૂંટણીના બહિષ્કારની જાહેરાત કરતા રાજકીય મોરચે ખળભળાટ મચી ગયો છે .