NRG
એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં નંદ મહોત્ત્સવની સાથે શ્રી દ્વારિકાધીશજીની ધજાજીના પધરામણી ઉત્ત્સવની ઉજવણી થઈ

- વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના જન્મદિન નિમિત્તે પલના-નંદ મહોત્ત્સવ યોજાયો
- છભાયા પરિવાર દ્વારા શ્રી દ્વારિકાધીશજીના મંદિરે 52 ગજની ધજાનો મનોરથ કરાશે
અમેરિકાના એટલાન્ટા સિટીમાં આવેલી ગોકુલધામ હવેલીમાં રવિવાર તા.28 નવેમ્બરે વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના જન્મદિન નિમિત્તે નંદ મહોત્ત્સવની સાથે શ્રી દ્વારિકાધીશજીની ધજાજીના પધરામણી ઉત્ત્સવની આનંદ ઉલ્લાસપૂર્વક ઉજવણી કરાઇ હતી. આ બંને ઉત્ત્સવમાં એટલાન્ટા અને આસપાસના શહેરોમાંથી શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
વડોદરાના શ્રી કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધિશ્વર પૂ.દ્વારકેશલાલજી મહારાજના 54 મા જન્મદિન નિમિત્તે એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં રવિવારે શ્રી ઠાકોરજી સન્મુખ પલના અને નંદ મહોત્ત્સવના મનોરથનું આયોજન કરાયું હતું. સાંજે 5.30 થી 7.30 સુધી આયોજિત આ નંદ મહોત્ત્સવ પ્રસંગે ભજન-સત્સંગ-કિર્તનમાં ભાગ લઇને તેમજ શ્રી ઠાકોરજીના દર્શન કરીને વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ ભાવવિભોર બન્યા હતા. વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજશ્રીને જન્મદિનની વધાઇ સાથે વૈષ્ણવોએ નંદ ઘેર આનંદ ભયો..જય કનૈયા લાલકીનો જયઘોષ કરીને દર્શનચોક ગજવી દીધો હતો. આ પ્રસંગે ગોકુલધામના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા અને ટ્રસ્ટી ડૉ.ઇન્દ્ર શાહ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ગોકુલધામ હવેલીમાં એટલાન્ટાના વૈષ્ણવ શ્રદ્ધાળુ છભાયા પરિવાર દ્વારા શ્રી દ્વારિકાધીશજીની ધજાજીની પધરામણીનો મનોરથ કરાયો હતો. શાંતાબહેન છભાયા, સંગીતા-અતુલ છભાયા, જયશ્રી-જયસુખ છભાયા, સંધ્યા-ચતુરભાઇ છભાયા, સવિતાબહેન-બાબુભાઇ છભાયા અને શારદાબહેન-ધીરુભાઇ છભાયા દ્વારા આયોજિત આ મનોરથ અંતર્ગત શ્રી ધજાજીના આગમન બાદ હવેલીના પ્રાંગણમાં શોભાયાત્રા યોજાઇ હતી.
ત્યારબાદ રાસ-ગરબા પણ યોજાયા હતા. આ મનોરથ વેળા મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ શ્રી ધજાજીના દર્શન કરી ધન્ય થયા હતા. અતુલ છભાયાએ જણાવ્યું હતું કે, દ્વારિકાથી વિજયાબહેન-અલ્પેશ પેથાણી દ્વારા ધજાજી એટલાન્ટા લાવવામાં આવ્યા બાદ ટેક્સાસ, ન્યૂજર્સી અને એટલાન્ટામાં કુલ-25 સ્થળોએ ધજાજીની પધરામણી કરાઇ હતી. આ ધજાજી તા.22 ડિસેમ્બરે દ્વારિકામાં શ્રી દ્વારિકાધીશને અર્પણ કરી ધજારોહણ કરાશે.
નંદ મહોત્ત્સવ અને શ્રી ધજાજીના પધરામણી મનોરથ બાદ વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લ્હાવો લીધો હતો. મહાપ્રસાદ સેવામાં ભાનુબહેન પટેલ, મનુભાઇ પટેલ, સોહિણીબહેન પટેલ, જશુબહેન પટેલ, અશ્વિનભાઇ પટેલ, ગિરિશ શાહ, નિક્સન પટેલ, પ્રકાશ પટેલ, રજનીભાઇ શેઠ સહિત સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.

NRG
IPS સ્વ. કેસરીસિંહ ભાટીના પુત્રએ ન્યુયોર્કમાં પોલીસ ઓફિસર બની ગુજરાતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું

- ધો.12 સુધી સુરત,બરોડા અને અમદાવાદમાં અભ્યાસ પૂર્ણ કરી અમેરિકામાં કોલેજ બાદ સીવીલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી સિદ્ધિ મેળવી
- ગત માસમાં જ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વ.ભાટીની વિશિષ્ઠ સેવા બદલ તેમની પત્નીને ચંદ્રક એનાયત કર્યો
પિતાએ આઇપીએસ ઓફિસર તરીકે ગુજરાત પોલીસ ખાતામાં પ્રશંસનીય ફરજ બજાવી હતી. જે બદલ મરણોત્તર ચંદ્રક રાજ્યના મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગત મહિને એનાયત કરાયો હતો ત્યારે તેમના પુત્રએ સ્વર્ગસ્થ પિતાનું સપનું સાકાર કર્યું હોય એમ વિશ્વની સૌથી મોટી અને ચુનંદા પોલીસ ફોર્સ તરીકે ગણાતી અમેરિકાના ન્યૂયોર્કમાં પોલીસ ઓફિસર તરીકે પોસ્ટિંગ મેળવી સમગ્ર વિશ્વમાં માત્ર અમદાવાદ નહીં પણ ગુજરાતનું નામ ઝળહળતું કર્યું છે.
ગુજરાત પોલીસમાં વરિષ્ઠ અધિકારી તરીકે સેવા આપી ફરજ દરમિયાન અવસાન પામેલા તત્કાલીન અમદાવાદ રેન્જ આઈજી કેસરીસિંહ ભાટી (IPS)ના પુત્ર જયદેવસિંહ ભાટીની અમેરિકાના ન્યુયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ ઓફિસર તરીકે તાજેતરમાં નિયુક્તિ થઈ છે.
ભારતમાં પીએસઆઇની સમકક્ષ ગણાતા આ પદ ઉપર જયદેવસિંહ ભાટી શરૂઆતના 6 માસ દરમિયાન ન્યુયોર્ક શહેરના 4 પોલીસ મથકોમાં તેમના ઉપરી અધિકારી સાર્જન્ટ અને લ્યુટેન્ટના હાથ નીચે તાલીમી અધિકારી તરીકેનો અનુભવ લેશે. ત્યારબાદ તેમને વિશ્વના સૌથી મોટા ગણાતા ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ કરાશે. 26 વર્ષના જયદેવસિંહએ અમેરિકામાં ક્રિમિનલ જસ્ટિસમાં એસોસિયેટ ડીગ્રી હાંસલ કર્યા બાદ સીવીલ સર્વિસીસની પરીક્ષા આપી હતી.
જેમાં સફળતાપૂર્વક ઉર્તીણ થયા બાદ તેમને પીએસઆઇની સમકક્ષ પોલીસ ઓફિસર તરીકે ન્યુયોર્ક શહેરમાં નિમણૂક મળી છે.
જયદેવસિંહના પિતા 1996 થી 1999 સુધી વલસાડમાં વિભાગીય પોલીસ વડા હતા ત્યારબાદ સુરત જિલ્લા પોલીસ વડા તરીકે કાયદો વ્યવસ્થા સાંભળી હતી. બાદમાં અમદાવાદ રેન્જ આઈજી તરીકે બઢતી થઈ હતી. ચાલુ ફરજ દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.ગત માસમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યની વિશિષ્ઠ પોલીસ સેવા માટેનો ચંદ્રક એનાયત કરાયો હતો જેને સ્વ. કેસરીસિંહ ભાટીની ધર્મપત્ની નિપાબા ભાટીએ સ્વીકાર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જયદેવસિંહે ધો.12 સુધીનો અભ્યાસ અમદાવાદની સત્વ વિકાસ સ્કૂલમાં કર્યો હતો. પિતાની પોલીસ ખાતામાં ટ્રાન્સફરેબલ જોબ હોવાથી તે પહેલાનો અભ્યાસ સુરત અને બરોડામાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ કોલેજ ન્યુયોર્કમાં કરી આ ગૌરવવંતી સિદ્ધિ મેળવી ગુજરાતના સમસ્ત રાજપૂત સમાજનું પણ ગૌરવ વધાર્યું છે.