NRG
IPS સ્વ. કેસરીસિંહ ભાટીના પુત્રએ ન્યુયોર્કમાં પોલીસ ઓફિસર બની ગુજરાતનું નામ વિશ્વ ફલક પર રોશન કર્યું

- ધો.12 સુધી સુરત,બરોડા અને અમદાવાદમાં અભ્યાસ પૂર્ણ કરી અમેરિકામાં કોલેજ બાદ સીવીલ સર્વિસીસની પરીક્ષા પાસ કરી સિદ્ધિ મેળવી
- ગત માસમાં જ રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલે સ્વ.ભાટીની વિશિષ્ઠ સેવા બદલ તેમની પત્નીને ચંદ્રક એનાયત કર્યો
પિતાએ આઇપીએસ ઓફિસર તરીકે ગુજરાત પોલીસ ખાતામાં પ્રશંસનીય ફરજ બજાવી હતી. જે બદલ મરણોત્તર ચંદ્રક રાજ્યના મુખ્યમંત્રીશ્રીના હસ્તે ગત મહિને એનાયત કરાયો હતો ત્યારે તેમના પુત્રએ સ્વર્ગસ્થ પિતાનું સપનું સાકાર કર્યું હોય એમ વિશ્વની સૌથી મોટી અને ચુનંદા પોલીસ ફોર્સ તરીકે ગણાતી અમેરિકાના ન્યૂયોર્કમાં પોલીસ ઓફિસર તરીકે પોસ્ટિંગ મેળવી સમગ્ર વિશ્વમાં માત્ર અમદાવાદ નહીં પણ ગુજરાતનું નામ ઝળહળતું કર્યું છે.
ગુજરાત પોલીસમાં વરિષ્ઠ અધિકારી તરીકે સેવા આપી ફરજ દરમિયાન અવસાન પામેલા તત્કાલીન અમદાવાદ રેન્જ આઈજી કેસરીસિંહ ભાટી (IPS)ના પુત્ર જયદેવસિંહ ભાટીની અમેરિકાના ન્યુયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ ઓફિસર તરીકે તાજેતરમાં નિયુક્તિ થઈ છે.
ભારતમાં પીએસઆઇની સમકક્ષ ગણાતા આ પદ ઉપર જયદેવસિંહ ભાટી શરૂઆતના 6 માસ દરમિયાન ન્યુયોર્ક શહેરના 4 પોલીસ મથકોમાં તેમના ઉપરી અધિકારી સાર્જન્ટ અને લ્યુટેન્ટના હાથ નીચે તાલીમી અધિકારી તરીકેનો અનુભવ લેશે. ત્યારબાદ તેમને વિશ્વના સૌથી મોટા ગણાતા ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોસ્ટિંગ કરાશે. 26 વર્ષના જયદેવસિંહએ અમેરિકામાં ક્રિમિનલ જસ્ટિસમાં એસોસિયેટ ડીગ્રી હાંસલ કર્યા બાદ સીવીલ સર્વિસીસની પરીક્ષા આપી હતી.
જેમાં સફળતાપૂર્વક ઉર્તીણ થયા બાદ તેમને પીએસઆઇની સમકક્ષ પોલીસ ઓફિસર તરીકે ન્યુયોર્ક શહેરમાં નિમણૂક મળી છે.
જયદેવસિંહના પિતા 1996 થી 1999 સુધી વલસાડમાં વિભાગીય પોલીસ વડા હતા ત્યારબાદ સુરત જિલ્લા પોલીસ વડા તરીકે કાયદો વ્યવસ્થા સાંભળી હતી. બાદમાં અમદાવાદ રેન્જ આઈજી તરીકે બઢતી થઈ હતી. ચાલુ ફરજ દરમિયાન તેમનું દુઃખદ અવસાન થયું હતું.ગત માસમાં ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે રાજ્યની વિશિષ્ઠ પોલીસ સેવા માટેનો ચંદ્રક એનાયત કરાયો હતો જેને સ્વ. કેસરીસિંહ ભાટીની ધર્મપત્ની નિપાબા ભાટીએ સ્વીકાર્યો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, જયદેવસિંહે ધો.12 સુધીનો અભ્યાસ અમદાવાદની સત્વ વિકાસ સ્કૂલમાં કર્યો હતો. પિતાની પોલીસ ખાતામાં ટ્રાન્સફરેબલ જોબ હોવાથી તે પહેલાનો અભ્યાસ સુરત અને બરોડામાં પૂર્ણ કર્યો હતો. ત્યારબાદ કોલેજ ન્યુયોર્કમાં કરી આ ગૌરવવંતી સિદ્ધિ મેળવી ગુજરાતના સમસ્ત રાજપૂત સમાજનું પણ ગૌરવ વધાર્યું છે.
NRG
એટલાન્ટાની ગોકુલધામ હવેલીના પંચમ પાટોત્ત્સવની ભવ્ય ઉજવણી

- પાટોત્ત્સવ પ્રસંગે પ્રભાતફેરી, ચાંદીના પલના, નંદ મહોત્ત્સવ, શોભાયાત્રા અને સુવર્ણ લહેરી ઉત્ત્સવના કાર્યક્રમોમાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા
- ત્રણ દિવસીય ગિરિરાજ ગુણ ગાથા કથા યોજાઇ : રવિવારે ગિરિકંદરામાં છાકલીલા મનોરથ યોજાયો
અમેરિકાની ધરતી પર માત્ર પાંચ જ વર્ષના ટૂંકાગાળામાં આકર્ષણ અને શ્રદ્ધાનું કેન્દ્ર બનેલી એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલીના પંચમ પાટોત્ત્સવની ઉજવણી શનિવારે ભવ્ય રીતે કરાઇ હતી. પંચમ પાટોત્ત્સવ પ્રસંગે પ્રભાતફેરી, ચાંદીના પલના, નંદ મહોત્ત્સવ, શોભાયાત્રા અને સુવર્ણ લહેરી ઉત્ત્સવના કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. રવિવારે શ્રી ઠાકોરજીનો ગિરિકંદરામાં છાકલીલા મનોરથના દર્શનનો લ્હાવો લઇ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.
એટલાન્ટા સિટીમાં 2017 માં વડોદરાના શ્રી કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિશ્વર પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ ગોકુલધામ હવેલી સ્થપાઇ હતી.આ ગોકુલધામ હવેલીએ પાંચ વર્ષના ટૂંકા સમયમાં જ સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આરોગ્યલક્ષી પ્રવૃત્તિઓ થકી અલગ ઓળખ ઊભી કરી છે. જેના થકી ગોકુલધામ હવેલી આકર્ષણ અને આસ્થાનું પ્રતિક બની છે.
ગોકુલધામ હવેલીને પાંચ વર્ષ પૂર્ણ થતાં શનિવારે પંચમ પાટોત્ત્સવ પ્રસંગની ભવ્યાતિભવ્ય ઉજવણી કરાઇ હતી. પાટોત્ત્સવ પ્રસંગે સવારે મંગળા દર્શન બાદ પ્રભાત ફેરી અને ત્યારબાદ શ્રી ઠાકોરજીના ચાંદીના પલના સહ નંદ મહોત્ત્સવનું આયોજન થયું હતું. સાંજે ગોકુલધામ પરિસરમાં યોજાયેલી શોભાયાત્રાએ આકર્ષણ જમાવ્યું હતું. આ ઉપરાંત શયન દર્શનમાં ‘સુવર્ણ લહેરી’ ઉત્ત્સવ-મનોરથમાં શ્રી ઠાકોરજીને સોનેરી શ્રૃંગાર સહિત સમગ્ર નિજ મંદિરને સોનેરી ઘટાથી શણગારવામાં આવ્યું હતું. ગોકુલધામમાં પહેલી વખત યોજાયેલા સુવર્ણ લહેરી ઉત્ત્સવ-મનોરથના દર્શન કરી શ્રદ્ધાળુઓ અભિભૂત થયા હતા.
ગોકુલધામના પંચમ પાટોત્ત્સવ પ્રસંગે હવેલીના જગદગુરુ હોલમાં ડૉ.આનંદમય શાસ્ત્રીના વ્યાસપીઠ પદે ત્રિદિવસીય શ્રી ગિરિરાજ ગુણ ગાથા કથા યોજાઇ હતી. આ કથાની પૂર્ણાહુતિ પ્રસંગે રવિવારે ગિરિરાજ પૂજન અને છાકલીલા ઉત્ત્સવ યોજાયો હતો. જ્યારે શયન દર્શનમાં ગિરિકંદરામાં શ્રી ઠાકોરજીનો છાકલીલા મનોરથ યોજાયો હતો. પાટોત્ત્સવની ઉજવણીને સફળ બનાવવા માટે સજાવટ ટીમ, કિચન ટીમ, સર્વિંગ ટીમ, વ્યવસ્થા ટીમ અને પાર્કિંગ ટીમનું મહત્ત્વનું યોગદાન રહ્યું હતું. ગોકુલધામના ચેરમેન અશોક પટેલ અને એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા ઉપરાંત ટ્રેઝરર કિન્તુ શાહ, હેતલ શાહ, અલકેશ શાહ, સમીર શાહ, પરિમલ પટેલ, ગિરિશ શાહ, કેતુલ ઠાકર, મેહુલ પારેખ, હિતેશ પંડિત, આત્મય અને આર્ષ તલાટીએ જહેમત ઊઠાવી હતી.
પાટોત્ત્સવ પ્રસંગે દર્શનાર્થે આવેલા શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી. મહાપ્રસાદ સેવામાં કિચન ટીમના ભાનુબહેન પટેલ, રંજન શિરોયા, સોહિની પટેલ, અશ્વિન પટેલ, નિક્સન પટેલ, રજનીભાઇ શેઠ, કિરીટ શાહ, જશુબહેન પટેલ, ઇશ્વરભાઇ પટેલ ઉપરાંત સર્વિંગ ટીમના સભ્યો ગૌરાંગ પટેલ, કરણ શાહ, આકાશ પટેલ, વૈભવ શાહે ભોજન વિતરણની સુચારું વ્યવસ્થા સંભાળી હતી.
ફંડ એકત્ર માટે ગોકુલધામની યુથ ટીમનું ‘કાર વોશ’ નું સરાહનીય કાર્ય
ગોકુલધામની વિવિધ ટીમો પૈકી યુથ ટીમ પણ સમયાંતરે આકર્ષણરૂપ કાર્ય કરે છે.જે અંતર્ગત રવિવારે ફંડ એકત્ર માટે યુથ ટીમ દ્વારા ‘કાર વોશ’ નો પ્રોજેક્ટ હાથ ધરાયો હતો. જે અંતર્ગત ગોકુલધામના દર્શનાર્થે આવતા શ્રદ્ધાળુઓની કાર વોશ કરી આપી ફંડ એકત્ર કરાયું હતું. યુથ ટીમના સભ્યો ડૉ.હિરલ પટેલ, હરિત પટવા,આસ્થા દલાલ, ધ્રુવલ શાહ, દેવાંગ પટેલ, મૌનિલ પટેલ, આર્યા પુરોહિત, કાવ્યા શાહ, ઇતિ શાહ, અર્થ શાહ, યશ શાહ, દેવ ઠાકર, ક્રિષ્ણા વ્યાસ, મૌલી શાહ, શૈલી શાહ, કુશ દેસાઇ, દ્રષ્ટિ ડોડિયા, વ્રજ પટવા સહિત અન્ય છોકરા-છોકરીઓએ નિર્ધારિત લક્ષ્ય કરતાં વધુ રકમનું ફંડ મેળવી સરાહનીય કાર્ય કર્યું હતું.
