GUJARAT
ચૂંટણી જીતીને કેટલાકને હવા ભરાઈ જાય છે, એ હવા આપણે કાઢી નાંખીશુ: પાટીલ

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ચૂંટાયેલા પ્રતિનિધિઓને હંમેશા કાર્યકર્તાઓને સાંભળવાની અને તેમના કામ કરવાની સુચનાઓ આપતા હોય છે. પાટીલ ચૂંટાયેલા પ્રતિનિધિ કરતા કાર્યકર્તાને વધારે માન સન્માન આપવાની વાત કરે છે. જામનગરમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં પાટીલે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું હતું કે, ભાજપમાં કોંગ્રેસની જેમ રિસામણા અને મનામણા થતા નથી. આ ઉપરાંત તેમને એમ પણ કહ્યું હતું કે, ચૂંટાયાબાદ કેટલાક ઉમેદવારને હવા ભરાઈ હતી હોય છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, વાવાઝોડું ફૂંકાય તો પવન હોય, તમારી સાયકલની ટ્યૂબમાં તમારે હવા ભરવી હોય તો વાવાઝોડું જે તરફથી આવતું હોય તે તરફ ટ્યુબનો વાલ ધરી દો તો સાયકલની ટ્યુબમાં હવા ન ભરાય. આ હવા ભરવા માટે પંપ જોઈએ અને આ નાનકડો પંપ જે કામ કરે છે તે વાવઝોડું પણ કરી શકતું નથી.
અહીં બેસેલા કાર્યકર્તાઓ પણ પંપનું કામ કરે છે. તે ટ્યુબમાં હવા ભરીં દે છે. તેઓ પોતાની જવાબદારી સમજે છે. વાવાઝોડાથી હવા ફૂંકાય અને ટ્યુબમાં હવા ભરાઈ તેની રાહ તેઓ જોતા નથી. તે પોતે એક વાવાઝોડું છે અને પોતાને પંપમાં રૂપાંતર કરીને તાકાત ભરી દે છે.
તેમને એમ પણ જણાવ્યું હતું કે, ભાજપના ઉમેદવાર ક્યારેક જીતતા હોય છે ત્યારે કેટલાકને હવા પણ ભરાઈ જતી હોય છે. કાર્યકર્તાને ભૂલી જતા હોય છે. આટલા બધા નહીં ગભરાવ,એ હવા આપણે કાઢી નાંખીશું. ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ચૂંટાયેલો પ્રતિનિધિ કાર્યકર્તાનું અપમાન કરે તે કોઈ હાલતમાં સહન ન કરી શકાય. આજ તો તાકાત છે અને આ તાકાતને કારણે આપણે જીતતા હોઈએ છીએ, આ તાકાતના આધારે સરકાર બનતી હોય છે, મંત્રી બનતા હોય છે.
અલગ-અલગ જગ્યા પર પોતે પદ પર બેસતા હોય છે. જ્યારે તમારા કાર્યકર્તા આ ચૂંટાયેલા પ્રતિનિધિ પાસે કામ લઇને જાય ત્યારે તેને માન અને સન્માન મળવું જોઈએ. તેની વાત સાંભળવામાં આવી જોઈએ અને સાંભળેલી વાત પર કામ કરવું જોઈએ. આજ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિનું કામ છે.
GUJARAT
વડોદરા NDRFની ટુકડી આણંદ જિલ્લામાં શોધ કાર્યમાં જોડાઈ

વરસાદી નાળાના પાણીમાં એક વ્યક્તિ ડૂબી જતાં જિલ્લા પ્રશાસને બટાલિયન ૬ ની ટૂકડીને તેડાવી.
આણંદ જિલ્લા પ્રશાસનના કોલને અનુસરીને વડોદરા ( જરોદ) સ્થિત એન.ડી.આર.એફ. બટાલિયન ૬ ના જવાનોની બચાવ ટુકડી બોરસદ તાલુકાના સિસ્વા ગામે સ્થાનિક પ્રશાસન અને લોકોની સાથે એક ડૂબી ગયેલી વ્યક્તિની શોધમાં જોડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ પડવાથી નદી, નાળા અને કાંસો છલકાઈ ગયા છે.
ઘટનાની મળતી વિગતો પ્રમાણે ગઈકાલે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ વરસાદી પાણીથી છલકાતા નાળામાં એક પુરુષ,જે ગામલોકોને ખાદ્ય વિતરણ પછી પાછો ફરી રહ્યો હતો,તે પગ લપસતાં તણાઈ ગયો હતો.તેના પગલે જિલ્લા તંત્રએ આ ટુકડી મોકલવા વિનંતી કરી હતી.

હાલમાં ચોમાસાને અનુલક્ષીને દળની એક ટુકડી ઘટના સ્થળે થી લગભગ ૧ કિમીના અંતરે જ તૈનાત હતી.
બચાવના તમામ સાધનો સાથે આ ટુકડીએ ઘટના સ્થળે પહોંચીને ડૂબેલા વ્યક્તિને શોધવાનું કામ શરૂ કરી દીધું છે.હાલમાં સર્ચ કામગીરી ચાલી રહી છે જેમાં સ્થાનિક લોકો સહયોગ કરી રહ્યાં છે.