GUJARAT
ફરજ પ્રત્યેની બેદરકારી બદલ મહેસૂલ વિભાગના ત્રણ અધિકારીઓ સસ્પેન્ડ : મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી

મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદીએ જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને મહેસૂલી સેવાઓ સત્વરે મળી રહે તે માટે રાજ્ય સરકાર સંપૂર્ણ પારદર્શી રીતે કામગીરી કરી રહી છે ત્યારે ફરજ પ્રત્યેની બેદરકારી તથા વિલંબિત ક્ષતિ બદલ મહેસૂલ વિભાગના ત્રણ અધિકારીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.
મંત્રીશ્રીએ ઉમેર્યુ કે, રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો નાગરિકોને સત્વરે મળી રહે એ માટે રાજય સરકાર સહેજ પણ ક્ષતિ કે ફરજ પરની બેદરકારી ચલાવી લેવા માંગતી નથી. ત્યારે આજે મહેસૂલ વિભાગના ડાંગ ખાતેના નાયબ કલેક્ટરશ્રી ટી.કે.વસાવા અને સુરતના માંગરોળ ખાતેના બે નાયબ મામલતદાર શ્રી એમ.એમ.વસાવા અને શ્રી ડી.એમ.ચૌધરીને ફરજ પ્રત્યેની બેદરકારી તથા વિલંબિત ક્ષતિ બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

GUJARAT
વડોદરા NDRFની ટુકડી આણંદ જિલ્લામાં શોધ કાર્યમાં જોડાઈ

વરસાદી નાળાના પાણીમાં એક વ્યક્તિ ડૂબી જતાં જિલ્લા પ્રશાસને બટાલિયન ૬ ની ટૂકડીને તેડાવી.
આણંદ જિલ્લા પ્રશાસનના કોલને અનુસરીને વડોદરા ( જરોદ) સ્થિત એન.ડી.આર.એફ. બટાલિયન ૬ ના જવાનોની બચાવ ટુકડી બોરસદ તાલુકાના સિસ્વા ગામે સ્થાનિક પ્રશાસન અને લોકોની સાથે એક ડૂબી ગયેલી વ્યક્તિની શોધમાં જોડાઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં ગઈકાલે ભારે વરસાદ પડવાથી નદી, નાળા અને કાંસો છલકાઈ ગયા છે.
ઘટનાની મળતી વિગતો પ્રમાણે ગઈકાલે બપોરના ત્રણ વાગ્યાની આસપાસ વરસાદી પાણીથી છલકાતા નાળામાં એક પુરુષ,જે ગામલોકોને ખાદ્ય વિતરણ પછી પાછો ફરી રહ્યો હતો,તે પગ લપસતાં તણાઈ ગયો હતો.તેના પગલે જિલ્લા તંત્રએ આ ટુકડી મોકલવા વિનંતી કરી હતી.

હાલમાં ચોમાસાને અનુલક્ષીને દળની એક ટુકડી ઘટના સ્થળે થી લગભગ ૧ કિમીના અંતરે જ તૈનાત હતી.
બચાવના તમામ સાધનો સાથે આ ટુકડીએ ઘટના સ્થળે પહોંચીને ડૂબેલા વ્યક્તિને શોધવાનું કામ શરૂ કરી દીધું છે.હાલમાં સર્ચ કામગીરી ચાલી રહી છે જેમાં સ્થાનિક લોકો સહયોગ કરી રહ્યાં છે.